Devbhoomi Dwarka News: દ્વારકા જન્માષ્ટમી 2025: લાલાના જન્મોત્સવ માટે દ્વારકા નગરી રોશનીથી ઝળહળી ઉઠી, શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર

દ્વારકાધીશ મંદિરમાં 16 ઓગસ્ટ, 2025ના રોજ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. મંદિરના પૂજારી દીપકભાઈ ઠાકરના જણાવ્યા અનુસાર, દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 14 Aug 2025 04:57 PM (IST)Updated: Thu 14 Aug 2025 04:57 PM (IST)
devbhoomi-dwarka-news-dwarkadhish-temple-janmashtami-darshan-timings-changed-devotees-flock-to-dwarka-585296

Devbhoomi Dwarka News: ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્વારકા નગરીને નવવધૂની જેમ શણગારવામાં આવી છે. મંદિરો, ધર્મશાળાઓ અને બજારોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે. દેશ-વિદેશથી ભક્તો દ્વારકા આવી રહ્યા છે, જેથી હોટેલો અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ ગયા છે. જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને મંદિરના દર્શન સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

ભીડને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ તૈનાત

જન્માષ્ટમીના દિવસે લાખો ભક્તો આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિર પરિસર અને મુખ્ય બજારોમાં ભીડને નિયંત્રણમાં રાખવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક નિયમન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ માટે ખાસ સ્થળો જાહેર કરાયા છે અને હાઈવે પર ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ સતત કાર્યરત છે.

જગદ્ મંદિર રોશનીથી ઝળહળતું

16 ઓગસ્ટના રોજ દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી થવાની છે, કાન્હાના જન્મોત્સવને લઇને દ્વારકાધીશ મંદિરને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભક્તો કૃષ્ણ જન્મોત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

દ્વારકા નગરી શણગારાઈ

શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે દ્વારકા નગરીને શણગારવામાં આવી છે. દ્વારકાધીશ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે, તેમજ ઇસ્કોન ગેટ, રબારી ગેટ, સરકારી કચેરીઓ અને હોટલોને પણ લાઈટિંગથી શણગારવામાં આવી છે.

ભગવાન કૃષ્ણની કર્મભૂમિ અને ચાર ધામ પૈકીના એક એવા દ્વારકામાં જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે અને પરિસરમાં આવેલા અન્ય મંદિરોને પણ શણગારવામાં આવ્યા છે.

જગદ્ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર

દ્વારકાધીશ મંદિરમાં 16 ઓગસ્ટ, 2025ના રોજ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. મંદિરના પૂજારી દીપકભાઈ ઠાકરના જણાવ્યા અનુસાર, દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  • મંગલા આરતી: સવારે 6 વાગ્યે
  • સ્નાન અને અભિષેક દર્શન: સવારે 8 વાગ્યાથી
  • સ્નાન ભોગ: સવારે 10 વાગ્યે
  • શણગાર ભોગ: સવારે 10:45 વાગ્યે
  • શણગાર આરતી: સવારે 11 વાગ્યે
  • ગ્વાલ ભોગ: સવારે 11:15 વાગ્યે
  • રાજભોગ: બપોરે 12:00 વાગ્યે
  • અનોસર (મંદિર બંધ): બપોરે 1 થી 5 વાગ્યા સુધી
  • ઉત્થાપન દર્શન: સાંજે 5 વાગ્યે
  • ઉત્થાપન ભોગ: સાંજે 5:30 વાગ્યે
  • સંધ્યા ભોગ: સાંજે 7:30 વાગ્યે
  • સંધ્યા આરતી: સાંજે 7:45 વાગ્યે
  • શયન ભોગ: રાત્રે 8:00 વાગ્યે
  • શયન આરતી: રાત્રે 8:30 વાગ્યે
  • શયન અનોસર (દર્શન બંધ): રાત્રે 9 વાગ્યે
  • રાત્રે 9 થી મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે.

16મી ઓગસ્ટના રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ આરતી થશે અને રાત્રે 2:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 17મી ઓગસ્ટના રોજ પારણા નૌમના નિમિત્તે શણગાર આરતી સવારે 7 વાગ્યે, મધ્યાહન ભોગ સવારે 9 વાગ્યે અને રાજભોગ સવારે 10 વાગ્યે થશે. સવારે 10:30 થી સાંજે 5 વાગયા સુધી દર્શન બંધ રહેશે. સાંજની સેવા-પૂજા રાબેતા મુજબ રહેશે.

શનિવારે રાત્રે 8 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ

દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે 16 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યે હાથી ગેટ પાસે નગરપાલિકા પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં 'દ્વારકા ઉત્સવ' અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં લોકસાહિત્યકાર સુખદેવ ગઢવી લોકગીતો રજૂ કરશે, કૃષ્ણ મિશ્ર રાસ અને 'રાજ રાજેશ્વર શ્રી કૃષ્ણ' નાટક પણ ભજવાશે.