Saputara Hill Station: સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર લાડકુ ગિરિમથક છે. અહીંની ગિરિકંદરાઓમાં, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે. સહ્યાદ્રીની ગિરિકંદરાઓથી શોભતું સાપુતારા, તમામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વન સમૃદ્ધિથી ભરપૂર, અને ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા, ડાંગ જિલ્લાના આ રમણીય ગિરિમથક, સમુદ્ર સપાટીથી 1100 મીટરની ઊંચાઈએ આવેલું છે. ડાંગ જિલ્લાને ચોમેરથી ઘેરીને ઊભેલી સહ્યાદ્રીની પર્વતોની હારમાળાઓ પર આવેલું, અને ગુજરાતની સરહદને, મહારાષ્ટ્રથી અલગ પાડતું સાપુતારા, બારે માસ પર્યટકોથી ભરેલું જોવા મળે છે.
સાપુતારામાં જોવા લાયક શું છે?
સાપુતારામાં, જોવા લાયક અને જાણવાલાયક અનેક પ્રવાસન સ્થળો છે. ગુજરાત તરફથી સાપુતારામાં પ્રવેશ કરો, એટલે સ્વાગત સર્કલ ઉપર આકર્ષક ફુવારા, રંગબેરંગી ફૂલો સહિત ખુશનુમા આબોહવા, તમારું સ્વાગત કરે છે. પહાડી પ્રદેશના ઘાટવાળા, વાંકાચૂકા-સર્પાકાર માર્ગ પાર કરીને, તમે 1100 મીટરની ઊંચાઇએ પહોંચો, ત્યારે શુદ્ધ અને તાજી હવા, તમને નવું ઓક્સિજન પુરૂ પાડે છે.

અહીંથી આગળ વધો, એટલે ડાબા હાથે ખાણીપીણીની લારીઓ, સ્ટોલ્સની વચ્ચે મોટું પાર્કિંગ એરિયા, અને તેની પાછળ ડાંગ જિલ્લાની આદિવાસી-ભાતીગળ સંસ્કૃતિના દર્શન કરાવતું, રાજ્ય સરકારનું વિશાળ સંગ્રહાલય, તમને ડાંગ જિલ્લાની રહેણીકરણી, રીતરિવાજો, ભાતીગળ સંસ્કૃતિથી વાકેફ કરાવે છે. આ મ્યુઝિયમના પટાંગણમાં આવેલી, નાગરાજ-સર્પની વિશાળ પ્રતિમા પાસે, પ્રવાસીઓ પરિવાર સાથે જોવા મળે છે.
સાપુતારામાં સર્પગંગા તળાવમાંનું આકર્ષણ ગણાતી બોટીંગ પણ બંધ કરવામાં આવ્યું હતું જેને લઇને પ્રવાસીઓ નિરાશ થયા હતા પરંતુ તાજેતરમાં જ આ બોટિંગ સરકારના નવા નિયમો મુજબ સેફટી સાથે શરૂ કરવામાં આવ્યા છે. આ તળાવની ફરતે આવેલ દુકાનો તેમજ મીની બાઈક, સેગવે બાઈક સાયકલ રાઈડરો પણ તળાવ શરૂ થવાથી સ્થાનિક આદિવાસી યુવાનો રોજગારી મેળવી રહ્યા છે.
સનરાઈઝ અને સનસેટ પોઇન્ટ સાપુતારાનું આકર્ષણ
અહીં વહેલી સવારે, ડુંગરોની આકાશમાંથી બહાર આવતા, ઉગતા સૂર્યની સવારી, અને સાપુતારાના ફલકને, લાલચોળ રંગે રંગાઇ જતુ જોવાનો પણ એક અનેરો લ્હાવો છે. તો ઢળતી સંધ્યાએ; લાલચોળ સૂર્યને, ડુંગરોની પછવાડે, ખૂબ જ ગતિથી સંતાઇ જતા-આથમી જતા જોવાની પણ એક અનેરી મજા છે. આ માટે અહીં સનરાઇઝ પોઇન્ટ, અને સનસેટ પોઇન્ટના નામે ઓળખાતા ડુંગરો ઉપર, પ્રશાસને પ્રકૃતિપ્રેમી પર્યટકો માટે, પાયાની સગવડો ઉપલબ્ધ કરાવી છે. ત્યાંથી સલામત રીતે પ્રવાસીઓ કુદરતની આ કરામતને નિહાળી શકે છે.

અહીં સનરાઈઝ અને સનસેટ પોઇન્ટ, ગવર્નર હિલ, બોટીંગ પોઇન્ટ, ઇકો પોઇન્ટ, અષ્ટવિનાયક મંદિર, નાગેશ્વર મંદિર, જૈન મંદિર, સ્વામિનારાયણ મંદિર, બ્રહ્માકુમારીઝ આર્ટ ગેલેરી, આર્ટીસ્ટ વિલેજ, આદિવાસી સંસ્કૃતિની ઝલક દર્શાવતું સંગ્રહાલય, ડાંગ સહિત સમગ્ર ગુજરાત રાજ્યના પ્રવાસન સ્થળોની સતસવીર માહિતી પુરી પાડતુ માહિતી ખાતાનું પ્રદર્શન કેન્દ્ર, સ્ટેપ ગાર્ડન, વનૌષધિ ગાર્ડન, વન ચેતના કેન્દ્ર અને વન નર્સરી, રોઝ ગાર્ડન, મિલેનિયમ ગાર્ડન, લેક ગાર્ડન, મધમાખી ઉછેર કેન્દ્ર, અંબિકા દર્શન સહિત અનેક નામી અનામી સ્થળ, પોઇન્ટ આવેલા છે. જેની પ્રવાસીઓ અચૂક મુલાકાત લેતા હોય છે.
કુદરતી ફળોનો ખજાનો
સાપુતારાની આસપાસના વિસ્તારમાં થતી સ્ટ્રોબેરી, બ્લેકબેરી, દ્રાક્ષ અને કિસમીસ, કુદરતી મધ અને હની ચીકી, જેલી-જામ અને ચોકલેટ, જમરૂખ-કાકડી-કેરી અને બોર જેવી ખટમીઠી ચીજવસ્તુઓ, નાગલી/રાગીની વિવિધ આઇટમો, બામ્બુ-વાંસનું અથાણું, લીંબુ પાણી અને સ્ટ્રોંગ સોડા સહિત અનેકવિધ ચટાકેદાર ચીજવસ્તુઓ, કોલ્ડ્રીંક્સ સહિત ચા-કોફી-બોર્નવિટા અને મસાલેદાર દૂધ, અહીંથી મિત્રો અને પરિવારને ગીફ્ટ આપવા માટે લઇ જવાતી બામ્બુ ક્રાફ્ટની જુદી જુદી ચીજવસ્તુઓ, ઇમીટેશન જ્વેલરી વિગેરે પણ અહીં સરળતાથી ઉપલબ્ધ છે.
હોટલ ઉદ્યોગને વેગ મળ્યો
પ્રવાસીઓની સેવામાં અહીં સાપુતારા દર્શન માટેની જીપ, ગાઈડ, અને હોટલ/રૂમ શોધવામાં મદદ કરતા સ્થાનિક યુવાનો/એજન્ટ, આઉટડોર ફોટોગ્રાફી માટે ફોટોગ્રાફર્સ પણ હાજર છે. સાપુતારા ખાતે રાત્રી રોકાણ કરતા સહેલાણીઓ માટે હોટલોની પણ એક આખી શ્રૃંખલા તૈયાર છે. ગુજરાત પ્રવાસન નિગમની હોટલ તોરણ, વ્હાઇટ ફેધર સહિત પૂર્ણા ડોરમેટરી, સ્ટાર કેટેગરીની હોટલ શિલ્પી, લેક વ્યૂ, લોર્ડ્સ આકાર, પતંગ, વૈતી, આનંદો, શવશાંતિ, ચિત્રકૂટ સહિતની અનેકવિધ હોટેલ પ્રવાસી પરિવારના બજેટને અનુરૂપ અહીં તેમની સેવાઓ પુરી પાડે છે. તો પ્રશાસન દ્વારા સીઝન દરમિયાન ટેન્ટ વિલેજ પણ તૈયાર કરીને, પ્રવાસીઓની સેવામાં મુકવામાં આવે છે.
સાપુતારાનું તાપમાન કેવું હોય છે?
સમુદ્રી સપાટીથી અંદાજીત 1100 મીટરની ઊંચાઈએ આવેલા સાપુતારાનું તાપમાન શિયાળામાં સરેરાશ 8 થી 28 સેલ્સિયસ, અને ઉનાળામાં 28 થી 38 સેલ્શિયસ જેટલુ રહેતુ હોય છે. બદલાતા વૈશ્વિક ઋતુચક્રને કારણે અહીં ગમે ત્યારે વરસાદી ઝાપટા સાથે બરફના કરા પણ પડતા હોય છે. ચોમાસમાં સાપુતારાની ખૂબસૂરતીને ચાર ચાંદ ગાલી જતા હોય છે. એક અંદાજ મુજબ અહીં દર વર્ષે 15 લાખ જેટલા પર્યટકો આવતા હોય છે.
વર્ષ દરમિયાન વિવિધ મહોત્સવ યોજાય છે
પ્રવાસીઓની સાપુતારાની મુલાકાત, તેમના માટે જીવનભરનું સંભારણું બની રહે તે માટે, રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા પાયાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે, વર્ષભર અનેકવિધ ફેસ્ટિવલની પણ ઉજવણી કરાતી હોય છે. પતંગ મહોત્સવ, વસંતોત્સવ, ગ્રીષ્મ ઉત્સવ, વર્ષા ઉત્સવ, દિવાળી ઉત્સવ, શિયાળુ ઉત્સવ, ફૂડ ફેસ્ટિવલ, પેરાગ્લાઈડિંગ ફેસ્ટિવલ સહિત અહીં અનેકવિધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ આયોજિત થતી રહે છે. તો ગુજરાતી, હિન્દી ફિલ્મોના ફિલ્માંકનો માટે પણ સાપુતારા માયાનગરીને તેની તરફ આકર્ષી રહ્યું છે. અહીંના બાગબગીચા લગ્ન સમારંભો માટે પણ ફેવરિટ થઇ રહ્યા છે.