Gira Waterfalls Video: ચારે બાજુ પર્વતો અને જંગલો વચ્ચે વહેતી અંબિકા નદી પરના ગીરાધોધ પ્રવાસીઓને આનંદની અનુભૂતિ કરાવે છે. દક્ષિણ ગુજરાતમાં તેને નાયગ્રાફ ફોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલા ગીરાધોધની ધારાઓનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે.

ગીરાધોધનો આનંદ માણવા પ્રવાસીઓ ઉમટ્યા
સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં 300 ફૂટના વિશાળ પટમાં નદી વિસ્તરેલી જોવા મળે છે. જે નદીનો ગીરાધોધ અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી 100 ફૂટ નીચે જ્યારે ખાબકે છે. અહીં મોટાભાગે લવ બર્ડ, પરિવારો ફરવા માટે આવે છે.

ચોમાસમાં લોકોને ઘસારો વધુ જોવા મળે છે
ચોમાસાની શરૂઆત થતા જ ગીરાધોધને જોવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જે પર્યટકો સાપુતારાની મુલાકાતે જાય છે તેઓ ગીરાધોધની અચૂક મુલાકાત લે છે. સાપુતારા પહોંચતા પહેલા આશરે 50 કિલોમીટર પહેલા વઘઇ તાલુકામાં ગીરાધોધ આવેલો છે.


લોકોને રહેવા અને જમવા માટેની પણ સુવિધાઓ મળી રહે
ફોરેસ્ટ વિભાગ અને એક મંડળી મળીને ગીરાધોધની આજુબાજુ આવેલી દુકાનો અને તેની સાફ-સફાઈ સહિત પાર્કિંગ વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે. ગિરાધોધ વિસ્તારમાં પ્રવાસીઓ માટે ચા-પાણી નાસ્તાની સુવિધાની દુકાનો ઊભી કરવામાં આવેલ છે. પ્રવાસીઓ પાસેથી ગીરાધોધ જોવા માટે રુપિયા 10 તેમજ વાહન પાર્ક કરવા માટે રૂપિયા 50 પાર્કિંગ ફી લેવામાં આવે છે. અહીં રહેવા માટે એક હોટલ પણ છે.

ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, ત્યારે હવા સાથે 100 ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઊડતી પાણીની બુંદ, વાછટ તમને ચોક્કસ ભીંજવી નાખશે. અંબિકા નદીનું આ રમણીય દૃશ્ય જોવા, જાણવા અને માણવા માટે ખાસ કરીને પ્રવાસીઓ ચોમાસાની ઋતુમાં આવે છે.

