Dahod News: દેવગઢ બારીઆ નગરપાલિકા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પુત્રએ નાણાકીય લોન માફી અને સરકારી લાભ મેળવવાના ઈરાદાથી પોતાના જીવિત પિતાનો જ મરણનો દાખલો કઢાવ્યો હતો. પુત્રએ ખોટા પુરાવા ઉભા કરીને આ પ્રમાણપત્ર પાલિકામાંથી મેળવ્યું હતું. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પિતાને ઘરમાંથી પોતાનો મરણનો દાખલો મળી આવ્યો. આ બાબતની જાણ થતા જ પિતાએ પાલિકાને જાણ કરી, અને હાલ પાલિકા તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દેવગઢ બારીઆ નગર વોર્ડ નં.૪ના પુવાળા વિસ્તારમાં રહેતા રાયસીંગભાઈ મગનભાઈ બારીયાને પોતાના ઘરમાંથી એક મરણનો દાખલો મળી આવ્યો હતો. આ દાખલો જોતા તેમને આઘાત લાગ્યો, કારણ કે તે તેમનો પોતાનો જ મરણનો દાખલો હતો. પાલિકામાં આ દાખલા અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, તેમના જ પુત્ર નરેશ બારીયાએ ગત તા. ૨૭/૧૨/૨૪ના રોજ તેમના પિતા રાયસીંગ મગન બારીયાના મરણની નોંધણી કરાવી હતી. આ નોંધણીના આધારે પાલિકા દ્વારા તા. ૩૧/૧૨/૨૪ના રોજ મરણનો દાખલો ઇસ્યુ કરીને પુત્ર નરેશ બારીયાને આપવામાં આવ્યો હતો.
પિતા રાયસીંગ બારીયાને બાદમાં જાણ થઈ કે આ મરણનો દાખલો લોનની માફી માટે ખોટી રીતે નોંધણી કરાવીને મેળવવામાં આવ્યો હતો. આ જાણ થતાં જ રાયસીંગભાઈ પોતાના ખોટા મરણના દાખલાને લઈ પાલિકામાં લેખિત અરજી આપી હતી. મરણનો દાખલો ખોટો ઇશ્યુ થયો હોવાનું ફલિત થતા, પાલિકા તંત્રએ તાત્કાલિક તપાસ હાથ ધરી છે. પાલિકાએ ખોટા પુરાવા ઉભા કરીને પોતાના જીવિત પિતાને મૃત બતાવી ખોટી રીતે મરણનું પ્રમાણપત્ર મેળવનાર નરેશ રાયસીંગ બારીયા સામે દેવગઢ બારીયા પોલીસ મથકે કાર્યવાહી કરવા અંગેની અરજી આપી છે, અને પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે.