Botad: બોટાદ ટાઉન પોલીસ મથકમાં ચોરીના આક્ષેપ સાથે લવાયેલા સગીરને કસ્ટડીમાં ઢોરમાર મારવાનો આક્ષેપ થયો છે. આ મામલે ઈજાગ્રસ્ત સગીર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે આ બનાવની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ અધિક્ષકે 4 પોલીસ કર્મચારી સહિત 5 જણા વિરુદ્ધ એક્શન લેતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
ગત 19 ઓગસ્ટના રોજ 2 ઈસમો 17 વર્ષીય સગીરને બોટાદ RTO ખાતે લઈ ગયા હતા. જ્યાં તેણે ચોરી કરી હોવાનું કહીને પોલીસને બોલાવવામાં આવી હતી. આથી બોટાદ ટાઉન પોલીસની ટીમે ઘટના સ્થળે જઈ સગીરને પોલીસ મથકે લાવી હતી.
અહીં સગીરને ડી-સ્ટાફની ઑફિસમાં લઈ જઈને ઢોરમાર મારવામાં આવતા તેને ગંભીર હાલતમાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ બાબતની ગંભીરતાને જોતા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સગીરને ક્યા કારણોસર પોલીસ મથકે લાવવામાં આવ્યો? તે બાબતની તપાસ સોંપવામાં આવી હતી.
હાલ તો સગીર અને તેના પરિવારની ફરિયાદના આધારે બોટાદ પોલીસે ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા કૌશિક જાની, અજય રાઠોડ, યોગેશ સોલંકી, કુલદીપસિંહ વાઘેલા સહિત અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ BNS તેમજ જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.