Kutch: કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ભોરારા ગામમાં એક અરેરાટીજનક બનાવ સામે આવ્યો છે. જેમાં એક માતાએ પોતાના ત્રણ સંતાનો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ત્રણ બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે સાંજે 5 વાગ્યાની આસપાસ એક મહિલાએ પોતાના 3 સંતાનો સાથે ભોરારા ગામની નર્મદા કેનાલમાં પડતું મૂક્યું હતુ. આ સમયે કેનાલ નજીક રહેલા સ્થાનિક લોકોએ મહિલાને સંતાનો સાથે પડતું મૂકતા જોતા તેમણે તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી.
આ બાબતની જાણ થતાં મુન્દ્રા પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ એક પછી એક ચારેય જણને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જે પૈકી બે પુત્રો અને એક પુત્રીનું મોત નીપજ્યું હતુ. જ્યારે માતાની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
હાલ તો પોલીસે ત્રણેય સંતાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. હજુ સુધી આ પગલું ભરવા પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસ દ્વારા હોસ્પિટલમાં દાખલ માતાની પૂછપરછ હાથ ધરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.