Bhuj News: કચ્છ જિલ્લામાં સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાપર તાલુકાના એક ગામમાં ઓરમાન માતા પર સાવકા પુત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પીડિત મહિલાએ પિયર જઈને સાવકા પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, પાટણ જિલ્લાના રાધનપુરની એક મહિલાના રાપરના યુવક સાથે લગ્ન થયા હતા. જે યુવક સાથે લગ્ન થયા હતા તે પહેલાથી જ પરિણીત હતો. તેની પ્રથમ પત્ની અને સંતાનો ખેતરની ઓરડીમાં રહેતા હતા. જ્યારે આ બીજી પત્ની(પીડિતા) ગામમાં રહેતી હતી. પતિ બન્ને પત્નીઓ પાસે વારાફરતી રહેવા માટે જતો હતો. પ્રથમ પત્નીને સંતાનમાં ત્રણ પુત્રો છે. જ્યારે પીડિત મહિલાને બે સંતાનો છે.
ગત 3 સપ્ટેમ્બરના રોજ મહિલાનો સાવકો પુત્ર તેના ઘરે આવ્યો હતો અને જમ્યા બાદ તેણે રાત્રિ રોકાણ કરવાનું કહ્યું હતું. જ્યારે મહિલા બાજુના રૂમમાં તેની પથારી કરી રહી હતી, ત્યારે સાવકા પુત્રએ પાછળથી આવીને તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ બૂમાબૂમ કરી હોવા છતાં આસપાસ કોઈ રહેતું ન હોવાથી તેને મદદ મળી નહોતી. આ ઘટનાથી તેના બંને સંતાનો પણ ડરી ગયા હતા.
ઘટનાના બીજા દિવસે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ, મહિલા તેના બાળકો સાથે પિયર રાધનપુર આવી હતી અને પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ રાધનપુર રેફરલ હોસ્પિટલના મહિલા સહાયતા કેન્દ્રની મદદથી તેણે ફરિયાદ નોંધાવી હતી. ઘટના રાપર-કચ્છની હદમાં બની હોવાથી રાધનપુર પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધીને વધુ તપાસ માટે રાપર પોલીસ સ્ટેશનને મોકલી આપી છે.