Bhuj News: કચ્છમાં બિસ્માર અને ખરાબ હાલતમાં રહેલા રસ્તાઓ સામે સ્થાનિક ટ્રાન્સપોર્ટરો, વેપારીઓ અને ઉદ્યોગ સંગઠનોએ 'નો રોડ, નો ટોલ' આંદોલનનું બ્યુગલ ફૂંક્યું છે. ગાંધીધામ ખાતે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે, આગામી 12 સપ્ટેમ્બરથી સ્વૈચ્છિક ટ્રક હડતાલ પાડવામાં આવશે.
આ હડતાળમાં કચ્છ ડિસ્ટ્રિક્ટ ડમ્પર ઓનર્સ વેલ્ફેર ગાંધીધામ, ધ ટેન્કર ઓનર એન્ડ ઓપરેટર્સ, કચ્છ ગાંધીધામ ગુડસ ટ્રાન્સપોર્ટ, ટ્રક ઓનર વેલ્ફેર ફાઉન્ડેશન-રતનાલ સહિતના અનેક સંગઠનો જોડાશે. આંદોલન દરમિયાન ચક્કાજામ પણ કરવામાં આવી શકે છે. આંદોલનના ભાગરૂપે, દરેક ટ્રક અને અન્ય વાહનો પર 'નો રોડ, નો ટોલ'ના સ્ટીકરો લગાવવામાં આવશે. આ સ્ટીકરો દ્વારા સામાન્ય જનતામાં પણ આ મુદ્દે જાગૃતિ ફેલાવવામાં આવશે.
ટ્રાન્સપોર્ટરોનું સ્પષ્ટપણે કહેવું છે કે, જ્યારે વાહન ચલાવવા માટે યોગ્ય રસ્તાઓ જ નથી તો ટોલ ટેક્સ શા માટે ભરવો જોઈએ? ખરાબ રસ્તાઓને કારણે માલ પરિવહનનો સમય અને ખર્ચ બંનેમાં વધારો થયો છે. વાહનોને ભારે નુકસાન થાય છે અને અકસ્માતોનું જોખમ પણ વધ્યું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રએ કોઈ ધ્યાન ન આપતાં આ આંદોલન કરવાની ફરજ પડી છે. ઉદ્યોગ જગત પણ આ આંદોલનને સમર્થન આપી રહ્યું છે.