PM Modi Gujarat Visit Schedule: આગામી તા.20 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર જિલ્લાના મહેમાન બની રહ્યાં છે, વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષી ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડો. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. વડાપ્રધાન મોદી જવાહર મેદાનમાં જાહેર સભા સંબોધવાના છે. વડાપ્રધાનના કાર્યક્રમના આયોજન માટે 27 સમિતિની રચના કરવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલે જણાવ્યું હતું કે, તા. 20 સપ્ટેમ્બરે ભાવનગરના જવાહર મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાશે. ભારત સરકારના શિપિંગ મંત્રાલય, ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમમાં પોર્ટ એન્ડ શિપિંગને લગતી પોલીસી અંગે તેમજ મહત્વના કેટલાંક એમઓયુ પણ થનાર છે. આ ઉપરાંત વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તથા રોડ શો યોજાનાર છે ત્યારે આ કાર્યક્રમને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાનના કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટર સહિત વર્ગ એક કક્ષાના અધિકારીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની 27 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરએ કોર કમિટી સહિત તમામ કમિટીઓ સાથે કાર્યક્રમના આયોજનને લઈને વિગતવાર ચર્ચા કરી જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીણા, પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ સહિત વિવિધ સમિતિઓના અધ્યક્ષ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.