Nepal Protests: નેપાળમાં પ્રવર્તમાન રાજકીય કટોકટી અને હિંસાની ઘટનાઓ વચ્ચે 300થી વધુ ગુજરાતીઓ ફસાયા હોવાના અહેવાલ છે. આ ફસાયેલા યાત્રાળુઓમાં ભાવનગર જિલ્લાના 43 અને અમદાવાદના 9 લોકો છે, જેમને સ્થાનિક સ્તરે સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના 43 લોકોને એક હોટલમાં જ્યારે અમદાવાદના 9 લોકોને એક વૃદ્ધાશ્રમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ફસાયેલા ગુજરાતના નાગરીકો દ્વારા વીડિયો બનાવીને સરકાર પાસે મદદ માગવામાં આવી છે.
મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું છેકે, નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. આ અંગે રાજ્યના અધિકારીઓને મેં જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.
નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. આ અંગે રાજ્યના અધિકારીઓને મેં જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 9, 2025
ભાવનગરના નારી ગામના 43 શ્રદ્ધાળુઓ ફસાયા
ભાવનગરના નારી ગામના 43 શ્રદ્ધાળુઓ 29 ઓગસ્ટના રોજ નેપાળ પ્રવાસ માટે રવાના થયા હતા. જનકપુર, કાઠમંડુ થઈને તેઓ પોખરા પહોંચ્યા હતા, જ્યાં હિંસા ફાટી નીકળતા તેઓ એક હોટલમાં સુરક્ષિત આશ્રય લઈ રહ્યા છે. આ જૂથે નેપાળથી એક વીડિયો બનાવી ભારત સરકાર પાસે તાત્કાલિક મદદની વિનંતી કરી છે. સ્થાનિક કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ચુડાસમાને આ માહિતી મળતાં તેમણે તાત્કાલિક ધારાસભ્ય જીતુ વાઘાણીને જાણ કરી હતી, જેમણે ફસાયેલા લોકો સાથે વાત કરી તેમને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપી હતી.
વસ્ત્રાલના 9 લોકો એક વૃદ્ધાશ્રમમાં સુરક્ષિત
બીજી તરફ, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની આકૃતિ સોસાયટીના 9 સભ્યો 1 સપ્ટેમ્બરના રોજ પ્રયોશા ટુરના માધ્યમથી નેપાળ પ્રવાસે ગયા હતા. રાજકીય અશાંતિના કારણે તેઓ પણ ફસાઈ ગયા છે અને હાલ તેમને એક વૃદ્ધાશ્રમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ યાત્રાળુઓ મુખ્યત્વે કાઠમંડુ, મુક્તિધામ અને નેપાળના અન્ય સ્થળોની મુલાકાતે ગયા હતા.
સુરક્ષિત વાપસી માટે સર્વોચ્ચ પ્રાથમિકતા
આ ગુજરાતીઓના ફસાયા હોવાના સમાચાર મળતા જ સ્થાનિક રાજકીય નેતાઓ અને ગુજરાત સરકારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ધારાસભ્ય જીતુ વાઘાણીએ ફસાયેલા લોકો સાથે ટેલિફોનિક સંપર્ક સ્થાપિત કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ બાબતની ગંભીરતા નોંધી કેન્દ્ર સરકાર સાથે તાત્કાલિક સંપર્ક સાધી પ્રવાસીઓની સુરક્ષા અને સુરક્ષિત વાપસી માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની ખાતરી આપી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર આ પ્રવાસીઓના સતત સંપર્કમાં છે.