Bharuch News: ભારે વરસાદ બાદ આમોદમાં નેશનલ હાઈવે-64 પર કાદવના થર જામ્યા, કીચડમાં વાહનો ફસાતા ચાલકોને હાલાકી

આ ખાડાઓના કારણે નાના-મોટા વાહનો વારંવાર ખાબકતા જોવા મળી રહ્યા છે. અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 08 Sep 2025 04:22 PM (IST)Updated: Mon 08 Sep 2025 04:37 PM (IST)
vadodara-news-amod-nh-64-turns-into-mud-trap-after-heavy-rains-drivers-face-nightmare-599645

Bharuch News: આમોદ તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઈવે-64 ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલો આ માર્ગ આજે ખરાબ હાલતમાં છે. માર્ગ પર ચંદ્ર કરતા પણ મોટા ખાડા પડતા વાહનચાલકો માટે આ માર્ગ જીવલેણ બની ગયો છે. સતત વરસાદ અને તંત્રની અવગણનાના કારણે હાઈવે કાદવ અને કીચડના દલદલમાં ફેરવાઈ ગયો છે.

આ ખાડાઓના કારણે નાના-મોટા વાહનો વારંવાર ખાબકતા જોવા મળી રહ્યા છે. અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોના વાહનો ખાડાઓમાં ફસાતા લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. લોકો ધક્કો મારવા પણ ડરી રહ્યા છે, કારણ કે કાદવથી લથપથ ખાડાઓમાં વાહન કાઢવું મુશ્કેલ બની ગયું છે.

હાલમાં જ એક રિક્ષા, એક ફોરવ્હીલર, એક ટેમ્પો અને બે બાઈકસવાર આ ખાડાઓમાં ફસાયા હતા. તેમને બહાર કાઢવા માટે લોકોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વરસાદમાં હાઈવે પર સફર કરવી લોકોને માટે જોખમી સાબિત થઈ રહી છે.

સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયામાં બનેલો રસ્તો માત્ર કાગળ પર જ મજબૂત હતો. તંત્ર દ્વારા જાળવણીના અભાવને કારણે રસ્તાની હાલત દયનીય બની ગઈ છે. તંત્ર તાત્કાલિક પગલાં નહીં ભરે તો મોટા અકસ્માતો અને જાનહાનિની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલમાં લોકો હાઈવે પર મુસાફરી કરતાં પહેલાં વિચારવા મજબૂર બન્યા છે.