Arvind Kejriwal: મોડાસામાં AAP દ્વારા ખેડૂત-પશુપાલક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું, કેજરીવાલ અને ભગવત માન રહ્યા હાજર

અરવલ્લી જિલ્લાના આસપાસની 15થી વધુ દૂધ મંડળીઓએ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો આભાર પાઠવી તેમનું સ્વાગત કર્યું હતું.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 23 Jul 2025 03:42 PM (IST)Updated: Wed 23 Jul 2025 03:42 PM (IST)
arvind-kejriwal-gujarat-visit-arvind-kejriwal-addresses-public-meeting-in-modasa-key-highlights-inside-571748

Arvind Kejriwal Gujarat Visit: મોડાસાના મેઘરજ રોડ પર આવેલા કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે AAP દ્વારા ખેડૂત-પશુપાલક મહાપંચાયતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહ્યા હતા. કાર્યક્રમ સ્થળે અને હેલિપેડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

કેજરીવાલનું સંબોધન

મોડાસામાં સભાને સંબંધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ અમીરોની સરકાર છે અદાણીની સરકાર છે, અદાણીને બધા કોન્ટ્રાકટ આપે છે. આમ આદમી પાર્ટી ગરીબોની, ખેડૂતો, શ્રમિકોની સરકાર છે, અમે તમારા સાથે છીએ તમારો હક અપાવવા આવ્યા છીએ. જો ખેડૂતો એમના હકની માગ કરી રહ્યા હતા, તો તેમની સાથે બેસીને વાત કરવી જોઈએ કે લાઠી ચલાવવી જોઈએ એ એમનો અહંકાર છે. સરકાર તરફથી અશોક ચૌધરીને એક કરોડનું વળતર આપવામાં આવે. સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકો પોતાના હકની રજુઆત કરવા ગયા ત્યારે, આ ગરીબ પશુપાલકો ઉપર લાઠી ચલાવીને ટિયારગેસ છોડવામાં આવ્યા હતા.

ભગવત માનનું સંબોધન

સભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, જે ઝાડુથી મકાન અને દુકાન સાફ કરતા હતા એ ઝાડુથી અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં આખો દેશ સાફ કરીશું. પાણીના ઝઘડામાં અને દૂધના ઝઘડામાં પણ તેવું થશે. જો કોંગ્રેસ પશુપાલકો સાથે હોત તો અમારે દિલ્હીથી, પંજાબથી અહીં આવવું ન પડ્યું હોત, ભાજપ અને કોંગ્રેસ સાથે મળેલી છે.

પશુપાલકોએ આંદોલન કર્યું હતું

ભાવવધારાની માગ સાથે બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના ડિરેક્ટરની આગેવાની હેઠળ એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, 14 જુલાઈના રોજ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના હજારો પશુપાલકો હિંમતનગર સ્થિત સાબરડેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ડેરીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં પોલીસે દરવાજા બંધ કરી દીધા અને સુરક્ષા વધારી દીધી હતી.

આ દરમિયાન પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું, જેમાં કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો પણ કર્યો હતો. પરિસ્થિતિ વણસતાં પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. આ ઘટનામાં 77 નામજોગ અને 100થી વધુ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી અને 47 પશુપાલકોની અટકાયત કરવામાં આવી હતી. તે જ દિવસે ઇડર તાલુકાના ઝીંઝવા ગામના પશુપાલક અશોક ચૌધરીનું હાર્ટએટેકથી અવસાન થયું હતું.