Aravalli: બાયડ નજીક ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત, કાર-બાઇક વચ્ચેની ટક્કરમાં પતિ-પત્ની-પુત્રએ જીવ ગુમાવ્યો

આ ગોઝારા અકસ્માતમાં બાઇકચાલક પુરુષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્ની અને બાળકને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેમણે પણ દમ તોડ્યો હતો.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 11 Sep 2025 11:14 AM (IST)Updated: Thu 11 Sep 2025 11:14 AM (IST)
aravalli-news-three-members-of-the-same-family-tragically-died-in-a-horrific-accident-near-bayad-husband-wife-and-son-lost-their-lives-in-a-collision-between-a-car-and-a-bike-601195
HIGHLIGHTS
  • મૃતક પરિવાર ઝાલોદ તાલુકાના ગાવડિયા ગામનો રહેવાસી હતો.
  • જ્યારે ગંભીર રીતે ઘાયલ માતા અને બાળકને તાત્કાલિક જીતપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Aravalli News: ગઈકાલે, એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ, બાયડ-અમદાવાદ રોડ પર આવેલા આંબલિયારા ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સાંજે લગભગ ૬ વાગ્યાની આસપાસ એક બાઇક પર સવાર પરિવારના ત્રણ સભ્યોને એક તેજ રફતાર કારે ધડાકાભેર ટક્કર મારી હતી. આ ગોઝારા અકસ્માતમાં બાઇકચાલક પુરુષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્ની અને બાળકને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેમણે પણ દમ તોડ્યો હતો. એક જ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટીભર્યા મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મૃતક પરિવાર ઝાલોદ તાલુકાના ગાવડિયા ગામનો રહેવાસી હતો. આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં પતિ યોગેશ લુજાભાઈ વસૈયા (ઉંમર ૩૧), પત્ની નિરુબેન યોગેશભાઈ વસૈયા (ઉંમર ૨૩), અને તેમનો સાત વર્ષનો પુત્ર આરવકુમાર યોગેશભાઈ વસૈયા કાળનો કોળિયો બન્યા હતા. મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજે છ વાગ્યે તેઓ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી GJ 01 HY 0804 નંબરની બલેનો કારના ચાલકે ઓવરટેક કરવા જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાવહ હતી કે બાઈક રોડ પર જ સળગી ઉઠ્યું હતું, જ્યારે કાર રોડની બાજુમાં આવેલા ખેતરમાં ઘસડાઈ ગઈ હતી. અકસ્માત સ્થળે જ પિતા યોગેશભાઈનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ માતા અને બાળકને તાત્કાલિક જીતપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ત્યાં સારવાર કારગત ન નીવડતા બંનેનાં પણ મોત થયાં હતાં.

એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી તેમનો માળો વિખેરાઈ ગયો છે અને પરિવારજનો પર આભ ફાટ્યું છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોમાં વાહનચાલકોની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા હોવાને કારણે ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ છે. અકસ્માત બાદ કારચાલક પોતાની કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આંબલિયારા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પરિવારજનોને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર કારચાલકને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે. પોલીસે આસપાસના સ્થાનિકોના નિવેદનો પણ નોંધ્યા છે.