Aravalli News: સમગ્ર ગુજરાતમાં આજે મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ મેહુલિયો ધોધમાર વરસ્યો છે. ગઇકાલે અને આજે પણ અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. મોડાસામાં ગત 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના પગલે બદ્રીનાથ અને કેદારનાથ સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે, જેનાથી રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે. ગયા વર્ષે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. રહેવાસીઓ કાયમી પાણી નિકાલ વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો
ગત 24 કલાકમાં મોડાસામાં સૌથી વધુ 6.22 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધનસુરામાં 3.50 ઇંચ, બાયડમાં 3.19 ઇંચ, માલપુરમાં 2.48 ઇંચ, મેઘરાજમાં 12 મિ.મી., ભિલોડામાં 12 મિ.મી. વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં સૌથી વધુ 3.39 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, બાયડ તાલુકામાં 20 મિ.મી., મેઘરાજમાં 16 મિ.મી., મોડાસામાં 4 મિ.મી., ધનસુરામાં 3 મિ.મી., માલપુરમાં 2 મિ.મી. વરસાદ નોંધાયો છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
અરવલ્લી જિલ્લામાં એક અઠવાડિયા બાદ ધમાકેદાર વરસાદ ખાબક્યો છે. મોડાસા શહેરમાં 6 ઇંચથી વધુ વરસાદ પડતાં બદ્રીનાથ અને કેદારનાથ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. આજે પણ આ વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે, જેના કારણે રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રહેવાસીઓ ઘરની બહાર નીકળી શકતા નથી અને કોઈ બીમાર હોય તો સારવાર મેળવવા પણ મુશ્કેલી પડી રહી છે.
ગયા વર્ષે પણ થઈ હતી આવી જ સ્થિતિ
ગયા વર્ષે પણ આ જ વિસ્તારોમાં પાણી ભરાયા હતા, અને તે સમયે પાણી પાંચ દિવસ સુધી ઓસર્યા નહોતા. આ વર્ષે ફરી એ જ સ્થિતિનું પુનરાવર્તન થતાં રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. સ્થાનિક રહેવાસીઓ માંગ કરી રહ્યા છે કે આ બંને સોસાયટીઓમાં પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે.
દર વર્ષે વરસાદી પાણીના નિકાલની સમસ્યાને કારણે રહેવાસીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. નગરપાલિકા તંત્ર તરફથી હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે રહેવાસીઓમાં નારાજગી છે. રહેવાસીઓનું કહેવું છે કે, વર્ષોથી આ સમસ્યા રહી છે, પરંતુ પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેઓ કાયમી ઉકેલ માંગી રહ્યા છે અને ચોમાસા પહેલા જ યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ બનાવવાની માંગ કરી રહ્યા છે.