Aravalli: મોડાસામાં કાર નદીમાં ખાબકતા 4 લોકોનાં મોત, ગત રાત્રે માઝુમ બ્રિજ પાસે થઈ દુર્ઘટના

મોડાસાના પેલેટ ચોકડી તરફથી આવી રહેલી આ કાર કોઈ અગમ્ય કારણોસર 40 ફૂટ ઊંડી માઝુમ નદીમાં ખાબકી હતી. આ ઘટનાસ્થળે જ ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યો હતો.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 10 Aug 2025 10:31 AM (IST)Updated: Sun 10 Aug 2025 10:31 AM (IST)
aravalli-4-people-died-after-car-fell-into-river-in-modasa-accident-occurred-near-mazum-bridge-last-night-582511
HIGHLIGHTS
  • આ અકસ્માતમાં મોતને ભેટેલા ચારેય યુવકોની ઓળખ થઈ છે.
  • આ ઘટનાએ સમગ્ર મોડાસા શહેરમાં શોકનું મોજુ ફેલાવી દીધું છે.

Aravalli News: અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. જેમાં બાયપાસ પાસે આવેલા માઝુમ બ્રિજ પરથી એક કાર નદીમાં ખાબકતા ચાર યુવાનોના કરૂણ મોત થયા છે. આ ઘટના રવિવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બની હોવાનું મનાય છે. મોડાસાના પેલેટ ચોકડી તરફથી આવી રહેલી આ કાર કોઈ અગમ્ય કારણોસર 40 ફૂટ ઊંડી માઝુમ નદીમાં ખાબકી હતી. આ ઘટનાસ્થળે જ ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ અકસ્માતમાં મોતને ભેટેલા ચારેય યુવકોની ઓળખ થઈ છે. જેમાં કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબીદ મરડીયા અને દીપક મેવાડાનો સમાવેશ થાય છે. આ યુવકો વિશે વધુ માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, તેમાંથી એક યુવક મોડાસાના એક ટ્યુશન ક્લાસમાં કામ કરતો હતો, જ્યારે અન્ય ત્રણ યુવકો ખાનગી શાળામાં કરાર આધારિત શિક્ષક તરીકે નોકરી કરતા હતા. આ ઘટનાએ સમગ્ર મોડાસા શહેરમાં શોકનું મોજુ ફેલાવી દીધું છે.

અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને હટાવવા માટે મોડાસા ફાયર બ્રિગેડની ટીમ, સ્થાનિક પોલીસ અને ASP સહિતનો કાફલો તાત્કાલિક પહોંચી ગયો હતો. ફાયર વિભાગની ટીમે મૃતદેહોને બહાર કાઢીને સાર્વજનિક હોસ્પિટલમાં મોકલ્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે ખાસ કરીને તહેવારોના સમયમાં વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે.