Anand News: ઉપરવાસમાંથી સાબરમતી નદીમાં વધારે પાણી આવવાના કારણે તથા વરસાદના કારણે તારાપુર તાલુકાના વિવિધ ગામો અસરગ્રસ્ત થયા હતા. ઉપરવાસમાંથી સાબરમતી નદીમાં છોડાયેલા પાણીના કારણે તારાપુર તાલુકામાં 12 જેટલા અસરગ્રસ્ત ગામોના નુકશાનીનો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સર્વે હાથ ધરાશે.
આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તારાપુર તાલુકાના રીંઝા, નભોઈ, દુગારી, ફતેપુરા, ગલીયાણા, પચેગામ, ચીતરવાડા,કસ્બારા,મીરામપુરા, ખડા, મોટા કલોદરા, જાફરગંજ એમ કુલ 12 જેટલા અસરગ્રસ્ત ગામોમાં નાશ પામેલ,નુકસાન પામેલ કાચા- પાકા મકાનોના સર્વે કરવા માટે યુધ્ધના ધોરણે ટીમોની ફાળવણી કરીને કામગીરી હાથ ધરવામાં આવી છે.
તારાપુર તાલુકાના 12 જેટલા ગામોમાં 12 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે. જેમાં નાયબ મામલતદાર ,ટેકનીકલ આસિસ્ટન્ટ તથા તલાટી કમ મંત્રી એમ કુલ ત્રણ કર્મચારીઓની એક ટીમની બનાવાઈ છે.આવી કુલ 12 જેટલી ટીમોમાં ૩૬ જેટલા કર્મીઓ યુધ્ધના ધોરણે નદીકાંઠા વિસ્તારોમાં અસરગ્રસ્ત થયેલા લોકોના નાશ પામેલ,નુકસાન પામેલ કાચા- પાકા મકાનોના સર્વે કરવા માટે મિશન મોડ પર કાર્યરત કરવામાં આવી છે.