Mahisagar News: પાનમ અને કડાણા જળાશયમાં ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહને લઈને જળ સપાટીમાં વધારો થતા તેમાંથી છોડવામાં આવતા પાણીના પ્રવાહને કારણે મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે જિલ્લા કલેકટરની સુચના અને માર્ગદર્શન હેઠળ નદી કિનારાના ગામડાઓમાં ઉચ્ચ અધિકારીઓએ રૂબરૂ જઈને ગ્રામજનોને સાવચેત કરાયા છે.
ગ્રામજનોને સાવચેત કર્યા
મામલતદાર આણંદ (ગ્રામ્ય) દ્વારા વરસાદની મોસમમાં પૂર નિયંત્રણ અંગે આણંદ તાલુકાના વાસદ,ખેરડા, વહેરાખાડી,ખાનપુર વગેરે ગામોની સ્થળ મુલાકાત કરી હતી. મામલતદાર ઉમરેઠ અને તાલુકા વિકાસ અધિકારી ઉમરેઠ દ્વારા ઉમરેઠ તાલુકાના મહીસાગર કિનારે આવેલ સુંદલપુરા, લાલપુરા, શીલી,અહિમા, ખોરવાડ અને પ્રતાપપુરા ગામે મુલાકાત કરી ગ્રામજનો નદી કિનારે ના જાય તે માટે પંચાયતની ઈ- રીક્ષા ફેરવી તથા સાદ પડાવી ગ્રામજનોને રૂબરૂ મળી આગોતરી જાણકારી મેળવી હતી.
અધિકારીઓએ ગામોની રૂબરૂ મુલાકાત લીધી
બોરસદ તાલુકાના મામલતદાર દ્વારા કોઠીયાખાડ,નાની શેરડી તથા સારોલ ગામોની ગામ પંચાયત તથા નદી કિનારે રૂબરૂ મુલાકાત કરી જનજાગૃતિ તથા તકેદારીના પગલાં લેવા અંગેની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ આંકલાવના મામલતદાર દ્વારા ગંભીરા તથા ચમારા ગામોની રૂબરૂ મુલાકાત લઇ ગ્રામજનોને વાકેફ કર્યા હતા. આણંદ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી છોડવામાં આવનાર પાણી ના કારણે પરિસ્થિત ધ્યાને લઈને આગોતરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો

નદી કિનારાના 26 ગામના લોકોને સાવચેત કરાયા
પાનમ જળાશયનું રૂલ લેવલ 127.41 મીટર છે. પાનમ જળાશયના કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ હોય તથા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે જે અન્વયે ચાલુ માસે રૂલ લેવલ જાળવવા માટે બપોરે આજે પાનમ ડેમના 2 દરવાજા 1.21 મીટર ખોલવામાં આવશે. દરવાજા મારફતે પાનમ નદીમાં આશરે 11,244 ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે.જેથી અસરગ્રસ્ત થનાર ગામોને સાવચેત કરવા પાનમ નિયંત્રણ પક્ષ ગોધરા દ્વારા જણાવવામાં આવ્યું છે.
કડાણા જળાશયનું રૂલ લેવલ 127.71 મીટર છે. જળાશયના કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ હોય તથા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ અન્વયે ચાલુ માસે રૂલ લેવલ જાળવવા માટે બપોરે આજે કડાણા ડેમના કુલ 10 દરવાજા 1.82 મીટર ખોલવામાં આવશે. દરવાજા મારફતે નદીમાં આશરે 1,18,850 ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે.જેથી અસરગ્રસ્ત થનાર ગામોને સાવચેત કરવા પાનમ નિયંત્રણ પક્ષ ગોધરા દ્વારા જણાવવામાં આવ્યું છે.
જે અન્વયે આણંદ જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જિલ્લાના કુલ ગામો પૈકી બોરસદ તાલુકાના ગાજણા, સારોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયાખાડ, દહેવાણ, બદલપુર, વાલવોડ મળી કુલ 8 ગામો, આણંદ તાલુકાના ખાનપુર, ખેરડા,આંકલાવડી, રાજુપુરા મળી કુલ 4 ગામો, ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા અને ખોરવાડ 02 ગામો તથા આંકલાવ તાલુકાના ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ (ઉમેટા), સંખ્યાડ, કહાનવાડી, આમરોલ, ભાણપુર, આસરમા, નવાખલ, ભેટાસી વાંટો અને ગંભીરા 12 જેટલા ગામો મળીને કુલ 26 ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.