Anand: સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે છોડવામાં આવેલા પાણીથી આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત તાલુકાના નદીકાંઠાના 13 જેટલા ગામો પ્રભાવિત થયા છે. આ પરિસ્થિતિમાં, તારાપુર તાલુકાના રીંઝા ગામના સીમ વિસ્તારમાં રહેતા 7 લોકોને બચાવવા માટે નડિયાદની SRPF બટાલિયન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બચાવ કામગીરી અને શેલ્ટર હોમ
આ 7 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રીંઝા ગામની પ્રાથમિક શાળામાં ઊભા કરવામાં આવેલા શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ આશ્રિતોના રહેવા, સવારના ચા-નાસ્તાથી લઈને જમવાની તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
સુરક્ષા માટે વિશેષ ટીમ તૈનાત
ભવિષ્યમાં આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે, તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને SDRFની એક ટીમને પણ તારાપુર તાલુકાના ખડા ગામ ખાતે તૈનાત કરવામાં આવી છે.