Amreli: અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં મામા-ફઈના સંતાનોના ભાઈ-બહેનના સબંધોને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ફઈના દીકરાએ મામાની દીકરી પર અવારનવાર દુષ્કર્મ ગુજારીને ગર્ભ રાખી દીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બાબરા તાલુકાના સીમ વિસ્તારમાં મજૂરી કામ કરતા મધ્ય પ્રદેશના પરપ્રાંતિય પરિવારની 25 વર્ષની યુવતીના ઝૂંપડામાં ઘૂસી જઈને તેના ફઈના દીકરા એવા પિતરાઈ ભાઈએ ત્રણ વખત બળજબરીથી શારીરિક સબંધ બાંધ્યા હતા. જેના કારણે યુવતી ગર્ભવતી બની હતી.
આ મામલે બાબરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલમાં બાબરા તાલુકામાં રહીને ખેત મજૂરી કરતાં દિનેશ ઉર્ફે ગુઠીયાએ પોતાના મામાની 25 વર્ષીય દીકરી પોતાના ઝૂંપડામાં સૂતી હતી, ત્યારે ઝૂંપડામાં ઘૂસી ગયો હતો.
પિતરાઈ બહેન કઈ સમજે તે પહેલા દિનેશે તેનું મોંઢુ દબાવી દીધુ હતુ અને એક જ દિવસમાં 3 વખત દુષ્કર્મ ગુજાર્યું હતુ. જેના પગલે યુવતીને ગર્ભ રહી જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પિતરાઈ દ્વારા મામાની દીકરી પર દુષ્કર્મની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ તો બાબરા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.