Ahmedabad News: દર વર્ષએ 10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આ અવસર પર અમદાવાદ શહેરના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી જીવનરક્ષક કામગીરી નોંધપાત્ર છે. ઘણીવાર વ્યક્તિ એક ક્ષણની નિરાશામાં જીવનનો અંત લાવવાનો નિર્ણય લે છે, પરંતુ એ જ સમયે મદદનો હાથ લંબાય તો અનેક સપના, અનેક પરિવારો અને અનેક આશાઓ ફરી જીવંત બની શકે છે. અમદાવાદ ફાયર વિભાગની સેવાકથા માનવતા માટે પ્રેરણારૂપ છે.
500થી વધુ લોકોના જીવ બચાવ્યા
છેલ્લાં 11 વર્ષમાં અમદાવાદના ઇન્દિરા બ્રિજથી લઇને વાસણા બેરેજ સુધી અમદાવાદ ફાયર વિભાગના જવાનો દ્વારા પોતાનો જીવ જોખમમાં મૂકી પાણીમાં કૂદીને કે પછી કોઇપણ રીતે રેસ્ક્યૂ કરીને અંદાજે 500થી વધુ લોકોના જીવ બચાવ્યા છે.
કામગીરી માનવતા માટેનું અમૂલ્ય યોગદાન
લોકોના જીવ બચાવવાની સાથો-સાથ લોકોને આત્મહત્યા કરતા અટકાવીને તેઓને નવજીવન પણ આપ્યું છે. આ દરેક ઘટના પાછળ એક પરિવાર, એક સ્વપ્ન અને એક જીવન છુપાયેલું હોય છે. ફાયર જવાનોની બહાદુરીથી અનેકોના ઘરોમાં ફરી આશા, આનંદ અને સ્મિત પાછાં આવ્યાં છે. અમદાવાદ ફાયર વિભાગના જવાનો દ્વારા કરવામાં આવેલી આ કામગીરી માનવતા માટેનું અમૂલ્ય યોગદાન છે.

વિવિધ તકનીકી સાધનો દ્વારા જીવ બચાવે છે
આ અંગે વાત કરતા અમદાવાદ ફાયર વિભાગના ચીફ ઓફિસર અમિતભાઈ ડોંગરેએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગના જવાનો દરેક વખતે પોતાની જાતને જોખમમાં મૂકી તાત્કાલિક પ્રતિસાદ આપે છે. પાણીમાં કૂદીને, દોરડા કે બોટની મદદથી કે પછી વિવિધ તકનીકી સાધનો દ્વારા જીવ બચાવે છે. કેટલીકવાર સેકન્ડોના વિલંબથી જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે, પરંતુ જવાનોની તાલીમ, ચપળતા અને માનવતાની ભાવના અનેક જીવને બચાવી લે છે. ફાયર વિભાગ માત્ર તાત્કાલિક સેવા પૂરતી મર્યાદિત નથી,પરંતુ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પણ સક્રિય રહે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
હંમેશાં નાગરિકોની સેવા માટે તત્પર
અમદાવાદ ફાયર વિભાગના ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાએ કહ્યું કે, આત્મહત્યા કોઈ સમસ્યાનો ઉકેલ નથી. જીવન અમૂલ્ય છે અને તેને સાચવવું આપણી સૌની ફરજ છે. અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે મુશ્કેલીમાં ક્યારેય એકલા ન રહેવું , મદદ માગવી અને જીવન પ્રત્યે વિશ્વાસ રાખવો જોઇએ. ફાયર વિભાગ તેમજ પોલીસ વિભાગ હંમેશાં નાગરિકોની સેવા માટે તત્પર છે.
અમદાવાદ ફાયર વિભાગના રિવર રેસ્ક્યૂ ટીમના સભ્ય ભરત માંગેલાએ કહ્યું કે, હું રેસ્ક્યૂ ટીમ સાથે છેલ્લાં 11 વર્ષની સંકળાયેલો છું. સાબરમતી રિવરફ્રન્ટ કે પછી સાબરમતી નદી પરના બ્રિજ પર અનેક લોકો આત્મહત્યા કરવા આવતા હોય છે ત્યારે કોઇપણ રીતે ફાયરના જવાનોને ખબર પડે તો એ તરત જે-તે સ્થળે પહોંચીને તેઓનું કાઉન્સેલિંગ પણ કરે છે અને પોલીસને આ અંગેની સૂચના આપે છે સાથોસાથ પરિવાર સાથે સંપર્ક પણ કરે છે.