Ahmedabad: હાથમાં 'રામ-સીતા'નું ટેટુ જોઈ બાળપણના મિત્રએ ઓળખી કાઢ્યો, 16 વર્ષે ઉત્તર પ્રદેશના પંકજનું પરિવાર સાથે મિલન થયું

નવરંગપુરામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં નીરજે પોલીસ સ્ટેશન નજીક ચાની કિટલી પર પંકજના હાથમાં ટેટુ જોઈને પોલીસને જાણ કરી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 13 Sep 2025 08:12 PM (IST)Updated: Sat 13 Sep 2025 08:12 PM (IST)
ahmedabad-news-missing-man-reunits-with-family-after-16-years-through-tattoo-602695
HIGHLIGHTS
  • ઉત્તર પ્રદેશનો પંકજ ગુસ્સામાં ઘરેથી નીકળીને ટ્રેનમાં બેસી ગયો હતો
  • ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં પોલીસની સરાહના કરી

Ahmedabad: અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં વર્ષો પહેલા હિન્દી ફિલ્મોમાં જોવા મળતી કહાની જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આજથી 16 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાંથી ગુમ થયેલા યુવકનું એક ટેટૂના આધારે તેના પરિવાર સાથે મિલન થયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બાંદા જિલ્લાના નારાયણી તાલુકાના થનૈલ ગામમાં રહેતો પંકજ ઉર્ફે રાહુલ યાદવ આજથી 16 વર્ષ પહેલા ઘરેથી ભાગીને ટ્રેનમાં બેસી ગયો હતો. ટ્રેનમાં પંકજ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને પહોંચી ગયો હતો, જ્યાં થોડા દિવસ તે ભટકતો રહ્યો હતો.

આ દરમિયાન રેલવે પોલીસની નજર પંકજ પર પડી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, પંકજ બોલી કે સાંભળી શકતો નથી. આથી રેલવે પોલીસે પંકજને નવરંગપુરા પોલીસ સ્ટેશન નજીક આવેલ બહેરા-મુંગાની શાળામાં દાખલ કરાવી દીધો હતો.

છેલ્લા 7 વર્ષથી પંકજ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જ રહેતો હતો.તેના ભોજન, કપડા સહિત અન્ય જરૂરિયાતોનો ખર્ચ પણ નવરંગપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ ઉઠાવતો હતો.

થોડા સમય પહેલા નવરંગપુરાની મુસ્લિમ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા નીરજ યાદવની નજર પંકજ પર પડી હતી. નવરંગપુરા પોલીસ સ્ટેશન નજીક ચાની કિટલી પર નીરજે પંકજના હાથ પર રામ-સીતાનું ટેટુ જોતા તેને ખાતરી થઈ ગઈ કે, આ તેનો બાળપણનો મિત્ર છે.

આથી નીરજે નવરંગપુરા પોલીસને જાણ કરી કે, આ ટેટુ અમે બન્નેએ વર્ષો પહેલા ગામના મેળામાં એકસાથે બનાવડાવ્યું હતુ. આખરે નવરંગપુરા પોલીસે પંકજના પરિવારજનોને ફોન પર સંપર્ક સાધ્યો અને વીડિયો કોલ દ્વારા પુષ્ટિ પણ કરાવી.

જે બાદ નવરંગપુરા પોલીસે પંકજના પરિવારને અમદાવાદ બોલાવતા તેનો મોટો ભાઈ નાથુ યાદવ આવ્યો હતો. જે પોતાના ભાઈ પંકજને પોતાની સાથે ઘરે લઈ ગયો હતો.

ખુદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને નવરંગપુરા પોલીસની પ્રસંશા કરી છે. તેમણે લખ્યું છે કે, નવરંગપુરા અમદાવાદ પોલીસે 7 વર્ષથી સંભાળ રાખેલ એક મૂંગા-બહેરા દિવ્યાંગ વ્યક્તિને તેમના પરિવાર સાથે ફરીથી જોડીને અદ્ભુત માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. એક ટેટૂએ જાદુ કર્યો! પોલીસને તેમની સમર્પણ ભાવના માટે સલામ