Ahmedabad: વિરમગામ બેઠક પરથી ચૂંટાયેલા ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. હકીકતમાં પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક કેસમાં સતત ગેરહાજર રહેવા મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વૉરન્ટ ઈસ્યુ કર્યું છે.
શું છે સમગ્ર મામલો?
2018માં પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના નેતાઓ પાટીદારોને અનામત આપવાની તેમજ ખેડૂતોના દેવા માફીની માંગ સાથે પોલીસની પરવાનગી વિના નિકોલમાં રેલી કાઢીને પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતુ. આ દરમિયાન રેલીને અટકાવવામાં આવતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ સાથે ઝપાઝપી કરીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો.
આ મામલે નિકોલ પોલીસ મથકમાં હાલના ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ચાર્જશીટ તૈયાર કર્યા બાદ સપ્ટેમ્બર-2022થી આ કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં શરૂઆતમાં કેટલીક મુદ્દત વખતે હાર્દિક પટેલ હાજર રહ્યો હતો. જો કે તે પછી ઘણાં સમયથી હાર્દિક પટેલ મુદ્દત સમયે હાજર રહેતો નહતો. જેના કારણે ચાર્જ ફ્રેમ થઈ શકતો નહતો.
આથી બે દિવસ પહેલા કોર્ટે હાર્દિક પટેલની ગેરહાજરીના કારણે ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યું હતુ. આમ છતાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટે કડક વલણ અપનાવીને વધુ એકવાર ધરપકડ વોરન્ટ ઈસ્યુ કર્યું છે.