Ahmedabad Murder News: અમદાવાદના પાલડીમાં યુવકની ઘાતકી હત્યાઃ ગુંડાઓએ પહેલા ધારિયા-છરીના ઘા ઝીંક્યા પછી ગાડી ચડાવી દીધી

આજે 12 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે પાલડીના ભઠ્ઠા વિસ્તારનો નૈસલ ઠાકોર નામનો યુવક અંજલિ ફ્લાયઓવર પાસે પહોંચ્યો હતો. એ સમયે પાછળથી એક નંબર પ્લેટ વગરની કાર આવી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 12 Sep 2025 01:26 PM (IST)Updated: Fri 12 Sep 2025 01:26 PM (IST)
ahmedabad-naisal-thakor-murdered-near-paldi-police-station-under-anjali-overbridge-in-paldi-601878

Ahmedabad Murder Case: અમદાવાદમાં જાણે કે ગુંડાઓ અને અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ આજે પાલડી વિસ્તારમાં ગુંડાઓ યુવકની ઘાતકી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવક પર ધારિયા અને છરી જેવા તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા મારવામાં આવ્યા હતા તેમજ યુવકની માથેથી કાર ચલાવી દીધી હતી. એટલું જ નહીં પરંતુ ગાડીમાંથી ઉતરીને પણ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આજે 12 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે પાલડીના ભઠ્ઠા વિસ્તારનો નૈસલ ઠાકોર નામનો યુવક અંજલિ ફ્લાયઓવર પાસે પહોંચ્યો હતો. એ સમયે પાછળથી એક નંબર પ્લેટ વગરની કાર આવી હતી. કારે નૈસલને ટક્કર મારી હતી અને ત્યારબાદ કારમાંથી 7થી 8 જેટલા લોકો નીચે ઉતર્યા હતા અને ધારિયા-છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે તેના પર હુમલો કર્યો હતો.

નૈસલને આડેધડ તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા હતા. લોહિલુહાણ હાલતમાં નૈસલ જમીન પર ફસડાઇ પડ્યો હતો. નૈસલનું મોત થયું હોવાનું જાણી આ શખ્સો તેના પરથી કાર ચલાવીને ત્યાંથી ભાગી રહ્યાં હતા જે દરમિયાન નૈસલનો પગ હલતા યુવકો કારમાંથી નીચે ઉતર્યા હતા અને ફરીથી તેને 8 જેટલા ઘા મારવામાં આવ્યા હતા. યુવકની હત્યા કરી આ અજાણ્યા શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

બનાવ અંગે આસપાસના સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પહોંચી હતી. નૈસલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો એ પહેલા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.