Entertainment News: ગુજરાતી રંગમંચના દિગ્ગજ કલાકાર સંજય ગોરડિયાને (Sanjay Goradia) લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં તેઓને એન્જીયોગ્રાફી માટે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંજય ગોરડિયાએ હોસ્પિટલ બિછાનેથી પોતાના ફેન્સને લઈને વીડિયો સંદેશ પણ પોસ્ટ કર્યો છે.
સંજય ગોરડિયાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ હોસ્પિટલના બેડ પર દર્દીના કપડામાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં સંજય ગોરડિયા પોતાની તબિયત વિશે ફેન્સને જાણકારી આપી રહ્યા છે.
પોતાના વીડિયોમાં ગુજરાતી કલાકારે જણાવ્યું છે કે, હાલ હું કોકિલાબેન હોસ્પિટલમાં છું. મારી એન્જિયોગ્રાફી થવાની છે. મારી અંદર સોંયો ભોંકીને નક્કી કરવામાં આવશે કે, ક્યાં બ્લોકેજીસ છે. જો કે મારા હ્રદયમાં તો તમે વસેલા છે.
આગામી 21 સપ્ટેમ્બરે મારું 'ઘેલાભાઈ ઘુઘરાવાળા' નામે નાટક છે. જો કંઈ થશે, તો નાટકનું શું થશે? કંઈ નહીં થાય. આ લોકો મારા હ્રદયમાંથી તમને કાઢીને સ્ટેન્ટ મૂકવા માંગે છે. આથી મારા નહીં તમારા માટે પ્રાર્થના કરજો કે, તમને મારા હ્રદયમાંથી કાઢી ના મૂકે. ચાલો ત્યારે નાટકમાં મળીએ..
સંજય ગોરડિયાના આ વીડિયોને સાડા આઠ હજાર જેટલા લોકોએ લાઈક કર્યો છે અને હજારો ફેન્સે કૉમેન્ટ કરીને તેમને જલ્દી સ્વસ્થ થવા માટે ભગવાનનો પ્રાર્થના કરી છે.
એક યુઝર્સે લખ્યું કે, તમે ફરી તાજા માજા થઈને હસતા અને હસાવવા આવશો. જલ્દી પાછા આવો અને અમોને હસાવો એવી પ્રાર્થના. અન્ય એક ફેન્સે લખ્યું છે કે, તમને કંઈ નહીં થાય. તમને જલ્દી સારું થાય તો અમને હજુ વધુ તમારા અભિનયનો લાભ મળે, એવી પ્રભુને પ્રાર્થના. અન્ય એક યુઝર્સે કૉમેન્ટમાં લખ્યું છે કે, અમે તમારા હ્રદયમાં હતા, છીએ અને કાયમ રહીશું. એક ફેન્સે લખ્યું છે કે, હ્રદય સમ્રાટની હ્રદયની સર્જરી. તંદુરસ્ત પાછા આવો તેવી પ્રાર્થના.
જ્યારે એક યુઝર્સે કૉમેન્ટમાં કલાકારને સલાહ આપી છે કે, સ્ટેન્ટ ટ્રીટમેન્ટ ખૂબ જ કૉમન છે. તમે જલ્દી સારા થઈ જશો, ચિંતા ના કરશો. આ સાથે જ ખાવા ઉપર અને ખાસ તો પીવા ઉપર કંટ્રોલ રાખશો. તમારું આયુષ્ય હજુ ઘણું લાંબુ છે. એક ફેન્સે લખ્યું છે કે, સંજયભાઈના દિલમાં તેમના ચાહકો પેધી ગયા છે. કોઈ પણ ડોક્ટરની તાકાત નથી કે, અમને કાઢી શકે. અમે તમારા ચાહકો સ્ટેન્ટ બનીને તમારા હ્રદયમાં જ રહેવાના છીએ. બાકી સ્ટેન્ટને કેમ છે હવે…?