ATM Transaction: અત્યારના ડિજિટલ યુગમાં આપણે 5 કે 10 રૂપિયા ચૂકવવા માટે પણ UPIનો ઉપયોગ કરવા લાગ્યા છીએ. આમ છતાં ઘણી વખત આપણને પૈસાની જરૂર પડતી હોય છે. એવામાં આપણામાંથી ભાગ્યે જ કોઈ બેંકમાં જઈને ચેક દ્વારા પૈસા ઉપાડતા હશે. મોટાભાગના લોકો તો ઘરની નજીક કે ઑફિસ જતી વખતે રસ્તામાં આવતા ATMમાંથી જ પૈસા ઉપાડતા હોય છે.
ATMમાંથી પૈસા ઉપાડવા આમ તો ખૂબ જ સરળ છે, પરંતુ આ સુવિધા ઘણી વખત આપણી મુશ્કેલી પણ વધારે છે. હકીકતમાં ઘણી વખત નેટવર્ક ઈસ્યુ, લાઈટ જતી રહે કે અન્ય કોઈ ટેક્નિકલ કારણોસર કેશ નીકાળતી વખતે આપણું ટ્રાન્જેક્શન અધુરું રહી જાય છે. એવામાં તમારા બેંક ખાતામાંથી પૈસા તો કપાઈ જાય છે, પરંતુ તમારા હાથમાં રોકડા નથી આવતા. આવી સ્થિતિમાં દરેક જણને ચિંતા થવી સ્વાભાવિક છે. જો કે મુંઝાવાની જરૂર નથી, આજે અમે તમને જણાવીશું કે, આવી સ્થિતિમાં તમારે શું કરવું, જેથી તમને પુરેપુરુ રીફંડ મળી જાય.
ATMમાં કેશ ફસાઈ જાય તો શું કરવું? (ATM Cash Transactions)
બેંક સર્વર, નેટવર્ક ઈસ્યુ સહિત કોઈ કારણોસર ઘણી વખત આપણા રૂપિયા ATM મશીનમાંથી નીકળી નથી શકતા. આવી સ્થિતિમાં ATM ટ્રાન્જેક્શન સ્લીપ, બેંકમાં ફરિયાદ અને કસ્ટમર કેરનો સંપર્ક જેવા ઉપાય અજમાવવા જોઈએ.
ઘણી વખત સર્વર કે કોઈ ટેક્નીકલ ઈસ્યુના કારણે પૈસા નીકળવામાં થોડી મિનિટની વાર થઈ શકે છે, એવામાં 5-10 મિનિટ રાહ જોવી જોઈએ. જો 10 મિનિટ બાદ પણ પૈસા બહાર ના આવે અને ખાતામાંથી પૈસા કપાઈ જાય, તો સૌથી પહેલા ટ્રાન્જેક્શન સ્લીપ સાચવીને રાખો.

ક્યારેય પણ ATMમાંથી પૈસા ઉપાડો અને નીકળે નહીં, તેમજ ખાતામાંથી પૈસા ઉપડી જવાનો મેસેજ આવે, તો ઓછામાં ઓછા 24 કલાક સુધી રાહ જુઓ. મોટાભાગના કિસ્સાઓમાં 24 કલાકની અંદર જ ખાતામાં પૈસા પરત ક્રેડિટ થઈ જતા હોય છે.
આમ છતાં જો તમારા ખાતામાં પૈસા જમા ના થાય, તો ટ્રાન્જેક્શન સ્લીપ અને બેંક સ્ટેટમેન્ટની મદદથી તમે ફરિયાદ કરી શકો છો.
કસ્ટમરકેરનો સંપર્ક સાધો ATM Money Withdrawal
24 કલાકની અંદર પૈસા પરત જમા ના થાય, તો બેંકના કસ્ટમર કેરનો સંપર્ક કરવો જોઈએ. મોટાભાગની બેંકો 24 કલાક કસ્ટમર સર્વિસ પુરી પાડતી હોય છે. કસ્ટમર કેરમાં તમારી ફરિયાદ નોંધવામાં આવશે. જે બાદ ઓછામાં ઓછા 7 દિવસની અંદર તમારી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.
બેંકની બ્રાન્ચ પર જાવ (Bank Complaint For ATM Withdrawal)
જો કોઈ કસ્ટમર કેરનો સંપર્ક ના થાય અથવા સંપર્ક છતાં તમારા ખાતામાં પૈસા જમા ના થાય, તો તમે બેંકની બ્રાન્ચે પણ જઈ શકો છે. અહીં બ્રાન્ચના હેલ્પ ડેસ્ક પર તમારી ફરિયાદ કરી શકો છે. જે બાદ તમને એક ટ્રેકિંગ નંબર આપવામાં આવશે. આ નંબરની મદદથી તમે તમારી ફરિયાદની પ્રોસેસ ચેક કરી શકો છો.

ATMના ઉપયોગને લઈને RBIના નિયમ શું કહે છે? RBI ATM Rules
ATMનો ઉપયોગ કરતી વખતે જો પૈસા ફસાઈ જાય અને તમારા ખાતામાંથી કપાઈ જાય, તો તેના માટે RBIએ નિયમ બનાવ્યા છે. RBIના નિયમ મુજબ, ATMમાં પૈસા ફસાવવાની સમસ્યા અને ફરિયાદ નોંધાવ્યા બાદ બેંકને 7 દિવસમાં તમારા ખાતામાં પૈસા જમા કરાવવા પડે છે.
જો બેંક પૈસા જમા ના કરે, તો તમે બેકિંગ લોકપાલ સમક્ષ ફરિયાદ નોંધાવી શકો છે. આ સિવાય 7 દિવસ બાદ જેટલા દિવસ સુધી પૈસા નથી મળતા, તે હિસાબે દરરોજ લેખે બેંકને 100 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડે છે.